Emergency Helpline | Radiology - 079-69027277/88/99 | Pathology - 9099088948
PET-CT સ્કેન સંબંધીત કેટલાંક મહત્વપૂર્ણ પ્રશ્નો અને દર્દી માટેની સૂચનાઓ

FDG PET-CT માટે જતા દર્દીઓ/સંબંધીઓ દ્વારા પૂછવામાં આવેલા કેટલાક પ્રશ્નો અને PET-CT કેન્દ્રો દ્વારા દર્દીઓને આપવામાં આવતી કેટલીક સૂચનાઓની સૂચિ નીચે મુજબ છે.

એપોઇન્ટમેન્ટ શા માટે જરૂરી છે?

PET-CT સ્કેન FDG, PSMA અથવા DOTA જેવા રેડિયો-આઇસોટોપની ઉપલબ્ધતાના આધારે કરવામાં આવે છે. આ રેડિયો-આઇસોટોપ્સનું અર્ધ-જીવન (half-life) હોય છે, તેથી આ સંગ્રહિત અથવા સાચવી શકાતા નથી. મોટાભાગના ડાયગ્નોસ્ટિક સેન્ટરો કે હોસ્પિટલોએ આ રેડિયો-આઇસોટોપ બહારથી મંગાવવા પડે છે. તેથી દર્દીઓની સંખ્યાના આધારે તેઓ રેડિયો-આઇસોટોપની માત્રાનો ઓર્ડર આપે છે.

દરરોજ મર્યાદિત એપોઇન્ટમેન્ટ શા માટે?

ડાયગ્નોસ્ટિક સેન્ટરો અથવા હોસ્પિટલોએ PET-CT સ્કેન ચલાવવા માટે AERB પાસેથી પરવાનગી લેવી પડે છે. AERB એ સરકાર સંચાલિત સંસ્થા છે જે કોઈપણ વિભાગને ચલાવવા માટે લાઇસન્સ આપે છે જેમાં રેડિયેશનનો ઉપયોગ થાય છે, જેમાં એક્સ-રે, સીટી સ્કેન, PET-CT વગેરેનો સમાવેશ થાય છે. લાઇસન્સ અનુસાર ડાયગ્નોસ્ટિક સેન્ટરો અથવા હોસ્પિટલો પાસે મર્યાદિત માત્રામાં FDGની પરમિશન હોય છે. પ્રતિ સપ્તાહ 500 mCi (મિલિક્યુરી) અથવા 1000 mCi (=1 ક્યુરી) હોઈ શકે છે. તેથી તેઓ એક અઠવાડિયામાં આનાથી વધુ ઉપયોગ કરી શકતા નથી. તેથી દર અઠવાડિયે દર્દીઓની સંખ્યા પ્રમાણે દરરોજ મર્યાદિત સંખ્યામાં દર્દીઓ કરવામાં આવે છે.

Whole body PET-CT સ્કેનનો અર્થ શું છે?

આંતરરાષ્ટ્રીય ધોરણો અનુસાર, Whole body PET-CT એટલે માથાથી મધ્ય જાંઘ સુધીનું સ્કેન. સારકોમાના કેન્સરમાં માથાથી પગ સુધી સ્કેન કરવામાં આવે છે. આંગળી, હાથ, પગ અથવા પગના અંગૂઠામાં કોઈપણ પ્રાથમિક કેન્સરના કિસ્સામાં માથાથી પગ સુધી સ્કેન પણ કરવામાં આવે છે.

મારા ડૉક્ટરે PET-MR ફ્યુઝન માટે કહ્યું છે. તેનો અર્થ શું છે?

સામાન્ય રીતે, માથા અને ગરદનના કેન્સરમાં, દા.ત. જીભનું કેન્સર, ગાલનું કેન્સર, તાળવાનું કેન્સર વગેરે માટે, PET-CT અને ગરદનનું MRI અલગ-અલગ મશીનો પર કરવામાં આવે છે. PET અને MRI બંને સ્કેન પૂર્ણ થયા પછી ઇમેજનું ખાસ સોફ્ટવેર પર ફ્યુઝન કરવામાં આવે છે અને તેને PET-MR ફ્યુઝન કહેવામાં આવે છે.

કેટલીકવાર મગજની પેથોલોજીના કિસ્સામાં, જેમ કે પાર્કિન્સન રોગ, અલ્ઝાઈમર રોગ અને વાઈના કેસમાં PET-MR ફ્યુઝન કરવામાં આવે છે.

FDG PET સ્કેન પહેલાં બ્લડ ટેસ્ટ જરૂરી છે?

PET-CT સ્કેન માટે જતાં પહેલાં બે બ્લડ ટેસ્ટ જરૂરી છે. એક છે બ્લડ સુગર લેવલ અને તાજેતરનું ક્રિએટીનાઈન લેવલ (પાછલા 7-10 દિવસની અંદરના). જો બ્લડ શુગર લેવલ નોર્મલ હોય, તો FDG ઈન્જેક્શન આપી શકાય અને જો ક્રિએટીનાઈન લેવલ નોર્મલ હોય, તો સીટી સ્કેનનું ઈન્ટ્રાવેનસ કોન્ટ્રાસ્ટ ઈન્જેક્શન આપી શકાય.

જો કોઈ રિપોર્ટ વધારે અથવા અસાધારણ હોય, તો દર્દીએ આગળની સૂચના માટે ડાયગ્નોસ્ટિક સેન્ટર અથવા તેના ડૉક્ટરનો સંપર્ક કરવો પડશે.

PET સ્કેન કરતા પહેલા અન્ય કોઈ તપાસ/રિપોર્ટની જરૂર છે?

જો શક્ય હોય તો, દર્દીએ અગાઉના સીટી સ્કેન, MRI, PET-CT, એક્સ-રે, સોનોગ્રાફી અને મેમોગ્રાફી અથવા અન્ય કોઈપણ સંબંધિત અગાઉની તપાસના રિપોર્ટ, ફિલ્મો અને CD લાવવી જોઈએ.

નીચેના કેટલાક અન્ય મેડિકલ રિપોર્ટ્સ છે જે દર્દીએ PET-CT સ્કેન કરતી વખતે લાવવા જોઈએ.

  • ટ્યુમર માર્કર્સ સહિત તાજેતરના અને ભૂતકાળના બ્લડ રિપોર્ટ્સ
  • તાજેતરના અને ભૂતકાળના બાયોપ્સી રિપોર્ટ્સ
  • અગાઉની તમામ સર્જિકલ / ઓપરેટિવ વિગતો
  • દર્દીના તબીબી ઇતિહાસ સંબંધિત તમામ અગાઉના રિપોર્ટ્સ

શા માટે જૂના PET સ્કેન અથવા અન્ય કોઈપણ સ્કેન જરૂરી છે?

રોગની સરખામણી માટે અગાઉના PET-CT સ્કેન અથવા અન્ય કોઈપણ સ્કેન જરૂરી છે. તે દર્દીના રોગનું મૂલ્યાંકન કરવામાં મદદ કરશે, કોઈ પણ સારવાર કર્યા પછી રોગ વધ્યો છે કે ઘટ્યો છે તે જાણવામાં મદદરૂપ થશે.

PET-CT સ્કેન પહેલા તૈયારીઓ.

અનુસરવા માટેની સૂચનાઓ:

એપોઇન્ટમેન્ટના 24 કલાક પહેલા:

  • કાર્બોહાઇડ્રેટ અને/અથવા ખાંડ ધરાવતા ખોરાકને ટાળો; એટલે કે હળવા પીણાં, ફળોના રસ, ચોકલેટ, કેક, પેસ્ટ્રી, આઈસ્ક્રીમ, મીઠાઈઓ, અનાજ, બટાકા, પાસ્તા, ચોખા, સોયા ઉત્પાદનો, સ્વાદવાળી દહીં, આલ્કોહોલિક પીણાં.
  • સખત કસરત, કેફીન અથવા તમાકુ ઉત્પાદનો ટાળો.
  • હાઈડ્રેટ રહેવા માટે પ્રોટીનયુક્ત આહાર અને પર્યાપ્ત માત્રામાં પાણી લો.

એપોઇન્ટમેન્ટના 6-8 કલાક પહેલા:

  • પાણી સિવાય, મધરાત પછી મોં દ્વારા કંઈ પણ લેવાનું નહિ.
  • ચા, કોફી કે અન્ય કોઈ પ્રવાહી ન લેવું જોઈએ.
  • આવશ્યક દવાઓ પાણી સાથે લઈ શકાય છે.
  • તમારા સારવાર કરતા ડૉક્ટર સાથે યોગ્ય પરામર્શ કર્યા પછી, સ્કેન કરતા પહેલા ઇન્સ્યુલિનની માત્રા રોકવી જોઈએ.

જો દર્દીને કોઈપણ દવાઓથી એલર્જી હોય અને/અથવા તેને અગાઉના PET-CT, CT scan અથવા MRI દરમિયાન રિએકશન આવ્યું હોય, તો તેણે PET-CT કેન્દ્રને અગાઉથી જાણ કરવી જોઈએ, જેથી વર્તમાન PET-CT દરમિયાન કોઈપણ પ્રતિક્રિયા ટાળવા માટે જરૂરી વ્યવસ્થા કરી શકાય.

પ્રજનન વય જૂથમાં સ્ત્રી દર્દીઓ માટે સૂચના.

પ્રજનન વય જૂથની સ્ત્રી દર્દીઓએ પુષ્ટિ કરવી જોઈએ કે તેઓ ગર્ભવતી છે કે નહીં. જો દર્દીને તેની ગર્ભાવસ્થા વિશે ખાતરી ન હોય, તો રેડિયો-આઇસોટોપનું ઇન્જેક્શન આપતા પહેલા UPT (યુરીન પ્રેગ્નન્સી ટેસ્ટ) કરી શકાય છે.

સ્તનપાન કરાવતી માતાઓ માટે સૂચના.

PET-CT સ્કેન પછી બાળકને ખવડાવવા માટે રેડિયો-આઇસોટોપનું ઇન્જેક્શન આપતા પહેલા માતાનું દૂધ સંગ્રહિત કરવું જોઈએ. સ્કેનિંગ પછી પ્રથમ 2 કલાક માટે માતાનું દૂધ આપવું જોઈએ નહિ.  PET-CT પૂર્ણ થયાના 12-14 કલાક પછી, સીધું સ્તનપાન કરી શકાય છે.

શિયાળા દરમિયાન કોઈ ખાસ પ્રકારના કપડાંની જરૂરિયાત?

શિયાળા દરમિયાન, દર્દીએ બ્રાઉન ફેટના સક્રિયકરણને ટાળવા માટે લાંબી બાંયના ગરમ કપડાં પહેરવા જોઈએ. જો શક્ય હોય તો, કૃપા કરીને બધા ઘરેણાં નીકાળીને આવવું.

PET-CT દરમ્યાન કોઈ વ્યક્તિને સાથે લાવવાની જરૂર છે?

કોઈપણ દર્દીની સાથે પુખ્ત વ્યક્તિ હોવી જોઈએ, જે દર્દી વતી સંમતિ આપી શકે. જો સ્કેન દરમિયાન અથવા પછી દર્દીને કોઈ ગંભીર રિએકશન આવે અને તે /તેણી કોઈ સંમતિ આપવા સક્ષમ ન હોય, તો સાથેની વ્યક્તિ દર્દીને કોઈપણ ICU અથવા કોઈપણ હોસ્પિટલમાં ખસેડવા માટે સંમતિ આપી શકે છે.

જો દર્દી કોઈપણ હોસ્પિટલમાં દાખલ હોય તો તેની સાથે હોસ્પિટલના સ્ટાફમાંથી કોઈ હાજર હોવા જોઈએ.

PET-CT  કરતા કેટલો સમય લાગે છેશા માટે?

PET-CT  કરતા લગભગ 3-4 કલાક છે.

જ્યારે દર્દી PET-CT માટે આવે છે, ત્યારે તેની ઊંચાઈ અને વજન નોંધવામાં આવે છે. દર્દીના બ્લડ શુગરનું લેવલ તપાસવામાં આવે છે અને જો તે સામાન્ય હોય, તો જ FDG ઇન્જેક્શન આપવામાં આવે છે. જો દર્દીનું બ્લડ શુગર લેવલ વધારે હોય તો શુગર લેવલ મુજબ તેના સારવાર કરતા ડોક્ટર સાથે પરામર્શ કર્યા બાદ શોર્ટ એક્ટિંગ ઈન્સ્યુલિન ઈન્જેક્શન આપવામાં આવે છે. ઇન્સ્યુલિનના ઇન્જેક્શન પછી, નિયમિત અંતરાલ પર બ્લડ સુગરનું સ્તર તપાસવામાં આવે છે અને જો સામાન્ય મર્યાદામાં નીચે આવે છે, તો પછી FDG ઇન્જેક્શન આપવામાં આવે છે.

FDG ઈન્જેક્શન પછી, દર્દી રેડિયેશનનો સ્ત્રોત બની જાય છે અને તેને/તેણીને અલગ રૂમમાં આરામ કરવાનું કહેવામાં આવે છે જેથી FDG આખા શરીરમાં સમાનરૂપે પ્રસરી જાય. દર્દીને કોઈપણ શારીરિક પ્રવૃત્તિ ન કરવા માટે કહેવામાં આવે છે, કારણકે નહીંતર FDG કેન્સરના ભાગમાં જવાને બદલે સ્નાયુમાં જવા લાગશે.

દર્દીનું PET-CT સ્કેન કેવી રીતે કરવામાં આવશે?

દર્દીએ PET-CT સ્કેનર પર શાંતિથી સૂવું પડે છે. યોગ્ય ઇમેજ એક્વિઝિશન માટે સ્કેન દરમિયાન તેને/તેણીને થોડી સેકંડ માટે શ્વાસ પકડી રાખવા માટે કહેવામાં આવશે. સ્કેન દરમિયાન ઇન્ટ્રાવેનસ કોન્ટ્રાસ્ટ પણ ઇન્જેક્ટ કરવામાં આવે છે અને કોન્ટ્રાસ્ટના ઇન્જેક્શન પછી, દર્દીને થોડી ગરમી લાગે છે.

શું અલગઅલગ પ્રકારના કેન્સર ધરાવતા દરેક દર્દીને સમાન સ્કેનિંગ પ્રોટોકોલ લાગુ પડે છે?

અલગ-અલગ PET-CT પ્રોટોકોલનો ઉપયોગ વિવિધ પ્રકારના કેન્સર માટે થાય છે. ઉદાહરણ તરીકે જીભના કેન્સર, ફેફસાના કેન્સર, લીવર કેન્સર અથવા આંતરડાના કેન્સર માટે અલગ-અલગ પ્રોટોકોલ હશે.

જો દર્દી બાળક અથવા માનસિક રીતે અક્ષમ હોય, તો સ્કેન કેવી રીતે કરવામાં આવશે?

આવા દર્દીઓમાં, જો તે થોડા સમય માટે શાંત ન સૂઈ શકે, તો પછી સ્કેન કરવા માટે ઘેનની દવાની નાની માત્રાની જરૂર પડશે. ઘેનની દવા એનેથેટીસ્ટ દ્વારા આપવામાં આવે છે.

જો દર્દીને સ્કેન દરમિયાન અથવા પછી કોઈ રિએકશન આવે તો શું કરવામાં આવે છે?

જો દર્દી કોઈ રિએકશન અનુભવે છે, તો સ્ટેન્ડ બાય એનેસ્થેટીસ્ટ દર્દીના લક્ષણો અનુસાર ઈમરજન્સી સારવાર આપશે.

PET-CT પૂર્ણ થયા પછીની સૂચનાઓ

એકવાર PET-CT પૂર્ણ થઈ જાય પછી, દર્દીને એક દિવસ માટે વધુ પ્રવાહી લેવાનું કહેવામાં આવે છે, જે શરીરમાંથી વધુ ઝડપથી શેષ FDG બહાર કાઢવામાં મદદ કરશે.

સ્કેન પૂર્ણ થયા પછી દર્દીને 24 કલાક સુધી વૉશરૂમનો ઉપયોગ કર્યા પછી બે વાર ફ્લશ કરવાનું કહેવામાં આવે છે.

દર્દીએ સ્કેન કર્યા પછી આગામી 24 કલાક સુધી બાળકો અને ગર્ભવતી મહિલાથી અંતર રાખવું પડશે.

PET-CT કરવા માટેના કારણો જાણવા માટે અહીં ક્લિક કરો.